Essay Archives

આવા સૌમ્ય સંતોને આ અસુરોએ બાંધ્યા ને છાની રીતે ગોમતીપુરના એમના મઠમાં સંતાડી દીધા. શ્રીનગરના સત્સંગી લાલદાસ ગોરાને કોઈ પ્રજાજને બાતમી આપી કે ‘તમારા ચાર સાધુઓ મરણતોલ હાલતમાં ગોમતીપુર મઠમાં છે.’
આ સાંભળી ગોરાનું હૃદય કંપી ગયું. રોમાવલી ઊભી થઈ ગઈ. તેમની વગ હતી, તો પણ જાતે ગોમતીપુર સંતોને છોડાવવા ગયા.
લોલંગરને પંચાંગ પ્રણામ કરી કહ્યું: ‘આપકો ભોજન ખિલાના હૈ, કિતની મૂર્તિયાં હૈં?’
લોલંગર કહે: ‘બહોત અચ્છા, બહોત અચ્છા. હમ સાતસો હૈં.’
ધનાઢ્ય તરીકે લાલદાસ ગોરા અમદાવાદમાં પંકાતા. તેઓ લોલંગરના મઠમાં ઠાવકાઈથી ઘૂમવા લાગ્યા. એક જાળિયામાં આ ચાર સાધુઓ પુરાયેલા છે તે નજરે આવતાં જ કહ્યું: ‘ઇન સાધુઓં કો ક્યૂં પકડ રખા હૈ? ઇનકો છોડ દો, તભી રસોઈ દૂંગા...’
લોલંગરે એના હજૂરિયાને હાક મારી: ‘અબે, મુંડિયા કો છોડ દે, બડા માલ મિલ રહા હૈ.’
એમ યુક્તિથી સંતોને છોડાવી, લાલદાસ ગોરા શ્રીજીમહારાજ પાસે આવ્યા. સંતોનાં શરીર સૂઝી ગયાં હતાં. લોહીના ચકામા જણાતા હતા. જોઈને શ્રીહરિની આંખોમાં ખુન્નસ ભરાઈ ગયું. ક્ષણ વારમાં ચહેરો ધગેલ ત્રાંબા જેવો થઈ ગયો. રોમાવલી ઊભી થઈ ગઈ. દંતાવલી ભેગી થઈ ગઈ. જમણા હાથની મુઠ્ઠી વાળી પ્રભુએ જોરથી ડાબી હથેળીમાં પછાડી, જાણે દશે દિગ્પાળ ડોલી ગયા એવો બ્રહ્માંડ નાદ ગાજ્યો. ‘હમણાં પ્રલય થયો કે થશે’ના ભણકારા વાગવા લાગ્યા. આજુબાજુ ઊભેલા સંતો-ભક્તોનાં અંતર ધ્રૂજી ગયાં.
મુક્તાનંદ સ્વામીએ નતમસ્તક થઈ હાથ જોડીને કહ્યું: ‘પ્રભુ! ક્ષમા કરો... પૃથ્વી રસાતળ જશે. આપણે અનંતનાં કલ્યાણ કરવાં છે.’
‘પણ મારા આ ગરીબ ગાય જેવા સાધુ, જે કીડીને પણ દૂભવે નહીં એની આ દશા! આજ ક્ષમા નહીં પણ મુકાબલો કરવો છે.’
સભામાં સન્નાટો છવાઈ ગયો.
નથુ ભટ્ટને ત્યાં શ્રીહરિને જમવાનું હતું. મૂળજી બ્રહ્મચારી એમને લઈ ગયા પણ શ્રીહરિના કંઠ નીચે કોળિયો શે ઊતરે?
એવામાં બીજી વાત બની!
હાથમાં આવેલ શિકાર છટકી ગયાના રોષમાં અસૂરોએ હથિયાર લઈ સંતોના આવાસમાં ઓચિંતા ઘૂસી ગયા. મુક્તાનંદ સ્વામી કથા વાંચતા હતા. તેઓ ઝટપટ ઊભા થઈ દોડ્યા ને બાજુમાં બ્રાહ્મણીનું ઘર હતું તેમાં સંતાઈ ગયા. અંદરથી સાંકળ લગાવી દીધી. પરંતુ અસૂરોએ મુક્તાનંદ સ્વામીને નિશાન બનાવેલા તે પીછો મૂક્યો નહીં. જાણે ભૂતની સેના કોઈ માણસને કાચો ને કાચો ખાઈ જવા ન આવી હોય!
એક અસૂરે બ્રાહ્મણીના ઘર પર દોટ દીધી. સમય વરતીને અગરોજી ખુલ્લી તલવારે એની પાછળ પડ્યા ને એને પગની આંટીમાં લઈ પછાડ્યો ને ઊભો થઈ આક્રમણ કરે તે પહેલાં તો તલવારના એક એક ઝાટકે તેના બંને પગ કાપી નાખ્યા.
બસ, યુદ્ધનાં રણશિંગાં ફૂંકાઈ ચૂક્યાં હતાં. અસૂરો વીફર્યા હતા, તો કાળઝાળ કાઠીઓને આજ રણ ખેલવાનો મોકો મળી ગયો હતો. અગરાજી પર જમગણ જાણે ત્રાટક્યું હતું. તે જોઈ વીર ભગુજીએ ઘોડી એ બાજુ મરડી.
શ્રીહરિના પચાસ-સાઠ જેટલા નરબંકા કાઠીઓ અને સામે વિરાટ સેના! અમુક બાવાઓ આ યુદ્ધમાંથી સરકીને બ્રાહ્મણીના ઘરમાં ઘૂસ્યા. ભગુજીને ખબર પડતાં પીછો કર્યો, ત્યાં તો અસૂરોએ મુક્તાનંદ સ્વામીને બારણાં તોડી બહાર ખેંચી કાઢ્યા હતા. સાધુતાની એ પરમમૂર્તિ પર અસહ્ય મારની ઝડી પડી રહી હતી. ભગુજી-અગરોજી ઘવાયા હતા તો પણ મુક્તાનંદ સ્વામીને બચાવવા ઢાલ થઈ ગયા. છતાં અસૂરોએ ત્રિશૂળના ઘાથી સ્વામીને લોહીલુહાણ કરી નાખ્યા. એમનાં આંખ-નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું.
એવામાં લોલંગર આવ્યો ને બધા શીષ્યોને કહ્યું: ‘સ્વામિનારાયણ તો નથુ ભટ્ટ કે ઘર મેં હૈં.’
સાંભળતાં જ મારો-કાપોના નાદ સાથે આખી સેના નથુ ભટ્ટના ઘર તરફ વળી. સોમલોખાચર ને બીજા શૂરવીર કાઠીઓ તથા પચ્ચીસ પાળાઓ શ્રીહરિના રક્ષણ માટે મૂકેલા હતા, તો પણ ભગુજીની આંખે કમકમાં આવી ગયાં. ‘હવે શું થશે!’ના ભણકારા વાગવા લાગ્યા. રોમરોમ શૂરાતન ચડી ગયું. પ્રભુએ સ્નાનવિધિ પૂર્ણ કરી હતી. ત્યાં જ ભગુજી-અગરોજી જુદા રસ્તે શ્રીહરિ પાસે પહોંચ્યા, અને વાકેફ કર્યા. જેમ જેમ વાત સાંભળતા ગયા તેમ શ્રીહરિના હોઠ ધ્રૂજવા લાગ્યા. આંખોમાંથી અગ્નિ ઝર્યો!
અસૂરોનું સૈન્ય આવ્યું પણ કોણ જાણે કેમ શ્રીહરિની ઇચ્છાથી સૌને શરીરે કંપ ચઢ્યો. અંતરમાં અગમ્ય ભીતિ પેઠી ને સૌના પગ પાછા પડ્યા. આથી, લોલંગરે વિચાર્યું કે સ્વામિનારાયણને આજ નહીં પણ કાલે અવશ્ય પકડી લેવા છે.

© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS